Tag: જગદીશ જોષી

જગદીશ જોષી – કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા


કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા
હવે પાસે આવો તો મારી આણ છે
તમને તો ઠીક જાણે છબછબીયા વ્હેણમાં
પણ ઊંડા વમળાય એ આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણના કપાય
નહીં માપ્યા મપાય વ્હેણ પ્યારના
દરિયાને નાથવાની લ્હાયમાં ને લ્હાયમાં
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢ નાલી રાખી હવે બાંધી છે નાવ
એની વાયરાને થોડી તો જાણ છે.

લીલીછમ વાડીમાં ગોફણના ઘાવ
હવે ઠાલા હોંકારા હવે ઠાલા
પંખી તો ટાઢકથી ચુગે છે આમ તેમ
ઉડે છે ચાડીયાના માળા
વેલને તાણો તો સમજીને તાણજો
આસપાસ થડનીયે તાણ છે.

       – જગદીશ જોષી (Jagdish Joshi – koi na ansar ae tame door thai betha Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

જગદીશ જોષી – મને આપો ઉછીનું સુખ થોડું


મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

       – જગદીશ જોષી (Jagdish Joshi – mane aapo uchinu sukh thodu. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

જગદીશ જોષી – મને એકલા મળો


તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

       – જગદીશ જોષી (Jagdish Joshi – mane aekala malo. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

જગદીશ જોષી – ખટકો

એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

       – જગદીશ જોષી

અન્ય રચનાઓ

 • જગદીશ જોષી – અમે
 • જગદીશ જોષી – અરે કોઈ તો
 • જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.
 • જગદીશ જોષી – ડંખ
 • જગદીશ જોષી – મળશે ત્યારે
 • જગદીશ જોષી – વાતોની કુંજગલી
 • જગદીશ જોષી – હવે
 • (Jagdish Joshi – Khatko. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – ડંખ

  વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
  ડંખે છે વળી વળી કેમ ?

  સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
  કૂવે ઝળુંબે એક વેલો :
  થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
  પાણીનો ક્યાંય નહીં રેલો.
  ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
  આવે ને જાય હેમખેમ ?

  બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
  થઇને આ આંખમાં લપાયાં:
  સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
  નસનસમાં ઝેર થૈ છવાયાં.
  રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
  વરસે છે જરી જરી વ્હેમ !

         – જગદીશ જોષી

  અન્ય રચનાઓ

 • જગદીશ જોષી
 • જગદીશ જોષી – અમે
 • જગદીશ જોષી – અરે કોઈ તો
 • જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.
 • જગદીશ જોષી – મળશે ત્યારે
 • જગદીશ જોષી – વાતોની કુંજગલી
 • જગદીશ જોષી – હવે
 • (Jagdish Joshi – Dankh. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય

  ૨૮ મે ૨૦૦૬ માં શરૂ થયેલું “ગુજરાતી સારસ્વત પરિચય” એક વર્ષ ક્યાં પૂરું કર્યુ ખ્યાલ ન આવ્યો.

  ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
  – અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
  – ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
  ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
  અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
  – દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
  મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
  ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
  ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
  – ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
  ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
  – સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
  રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
  ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
  બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
  – છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
  બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
  રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
  ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
  અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
  સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
  રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
  નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
  હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
  “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
  શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
  કોઇ પણ મને ગમે.”
  – માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
  હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
  બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
  કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
  – “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
  પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
  મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
  ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
  સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
  – “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
  – ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
  જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
  કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
  – “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
  – ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
  પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
  કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
  કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
  – “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
  શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
  ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
  કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
  મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
  ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
  નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
  દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
  “જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
  – ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
  – “માથું અરીસામાં જ રહ્યું.
  ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
  – તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
  – “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
  ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.
  અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

  ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપવા બદલ સંચાલકો : સુરેશભાઈ જાની, જુગલકીશોર વ્યાસ, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગરનો ખુબ આભાર.

  Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,

  જગદીશ જોષી – મળશે ત્યારે

  તમને ટપાલમાં કાગળ નહીં,
  ફૂલ મોકલવાનું મન થાય છે.
  અને …. જ્યારે તમને ફૂલો મળશે
  ત્યારે એ કરમાઇ ગયાં હશે –
  અત્યારે
  તમારા વિનાની
  મારી સાંજની જેમ.

         – જગદીશ જોષી(Jagdish Joshi – Malashae tyare. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.


  હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો
  આ ભરી મ્હેફિલ : મને ઊઠી જતાં ના આવડયું.

  લ્યો, સુરાલય પણ કરી છે બંધ દરવાજા હવે
  ના નશો, ના ભાન છે : ઊઠી જતાં ના આવડયું.

  આ તરંગો, વાયરો, આંધી, વમળ, વર્ષા, પ્રલય :
  સાગર સમાવી નાવને ઊઠી જતાં ના આવડયું.

  રાત ને વગડો : કસુંબો ઘૂંટતા’તા પાળિયા
  રંગ દઇને એમને, ઊઠી જતાં ના આવડયું.

  ગેલમાં આવીને ભીની ફૂંક મારી, એ છતાં
  દીપને અમળાઇને ઊઠી જતાં ના આવડયું.

  પ્રેમની શરમિંદગીની વાત ચર્ચાઇ ચૂકી
  ગૈ સભા ઊઠી, ને લે, ઊઠી જતાં ના આવડયું.

         – જગદીશ જોષી (૧૭-૬-૧૯૭૪)(Jagdish Joshi – Uthi jata na aavadiyu. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – અરે કોઈ તો

  હું એકાગ્ર ચિત્તે વાંચું છું
  સામેની બારીનો રેડિયો
  મારા કાનમાં કંઈક ગર્જે છે.
  દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
  વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
  ટયુબલાઈટનું સ્ટાર્ટર
  તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
  ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
  ડચકાં ભરતી ભરતી રણકે છે.
  ઘરનો નોકર દૂધવાળા જોડે
  અફવાઓની આપ-લે કરે છે.
  પડોશણનો અપરિચિત ચહેરો
  કુથલીના ડાયલ ફેરવે છે.
  રસ્તા પરનો નાહકનો ઝઘડો
  બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
  ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
  અંધારું થઈને પથરાઈ જાય છે.
  મારો આખો માળો અંધરોધબ…..
  નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
  “કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
  કો’ઈ તો
  ઈલેકિટ્રશિયને બોલાવો ! ”
  બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
  “અરે ગિરિધર ! સાંભળે છે કે,-
  પહેલાં મીણબત્તી તો લાવ……
  અને-
  મારી ચાલીમાં
  મારા માળામાં
  મારા ઘરમાં
  મારા દેશમાં
  મીણબત્તીની શોધાશોધ ચાલે છે……

         – જગદીશ જોષી(Jagdish Joshi – Aare Koi toe. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – હવે

  હવે,
  સપનાંને લાગે છે આછેરો થાક !
  મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

  પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
  આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
  નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
  હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

  રેતી પર ટળવળતી માછલીઓ જેમ
  કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
  દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
  હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

         – જગદીશ જોષી(Jagdish Joshi – Havae. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – વાતોની કુંજગલી

  વાતોની કુંજગલી

  વાતે વાતે તને વાંકું પડયું :
           ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
  શબ્દોને પંથ કોણ કોને નડયું ?
           મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

  આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
           પણ અડકો તો ભોમ સાવ કોરી :
  તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
           હોઠ સમી અમરત કટોરી.
  પંખીની પાંખમહીં પીંછુ રડયું :
           મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

  હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
           કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
  પાસે રહીને મને લાગે છે કેમ હવે
           કેટલાય જનમોનું છેટું !
  મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
           ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

         – જગદીશ જોષી (Jagdish Joshi – Vaato ni Kunjgali. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – અમે

  ખોબો ભરીને અમે એટલું હસ્યાં
        કે કુવો ભરીને અમે રોઇ પડયાં.

  ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
  કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
  અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
        કે હોડી-ખડક થઇ અમને નડયાં.

  કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
  ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ !
  કૂવો ભરીને અમે એટલું રડયાં
        કે ખોબો ભરીને અમે મોહી પડયાં.

        – જગદીશ જોષી (Jagdish Joshi – Amae. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી

  ધારો કે એક સાંજ આપણે મળયાં અને આપણે હળયાં
  પણ આખા આ આયખાનું શું ? (Jagdish Joshi – dharo ke aek. Poems in Gujarati. Literature and art site)

  Tags :