Tag: ‘સહજ’ વિવેક કાણે

‘સહજ’ વિવેક કાણે – ઉંદરડા

દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

         – ‘સહજ’ વિવેક કાણે (‘Sahaj’ Vivek Kane – Undarda. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘સહજ’ વિવેક કાણે – શબ્દના મંજુલ

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી

ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી

ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી

પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી.

         – ‘સહજ’ વિવેક કાણે (‘Sahaj’ Vivek Kane – Sabd na manjul. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘સહજ’ વિવેક કાણે – અસત્ય

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

         – ‘સહજ’ વિવેક કાણે (‘Sahaj’ Vivek Kane – Asatya. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘સહજ’ વિવેક કાણે – તોરણ જે ઉતારો છો

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?

આ મોડસઑપરૅન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથીને ?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?

નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?

જન્મ્યા અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથીને ?

         – ‘સહજ’ વિવેક કાણે (‘Sahaj’ Vivek Kane – Toran je utharo chho. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘સહજ’ વિવેક કાણે – બેખુદી જે સભામાં લાવી છે

બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.

શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !

ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?

માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !

પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.

         – ‘સહજ’ વિવેક કાણે (‘Sahaj’ Vivek Kane – Bekhudi je sabha ma lavi chhe. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘સહજ’ વિવેક કાણે – દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ  હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ,  હું મારા સમાન છું.

ઝૂમરામાં  બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન  હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં  હોય તો,
હું  પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

         – ‘સહજ’ વિવેક કાણે (‘Sahaj’ Vivek Kane – Dekhai tu n kyay ne hu Dushman chhu. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘સહજ’ વિવેક કાણે – ધીરે ધીરે

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે,
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે.

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની,
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે.

નામ લેશો નહીં મારું કે તમારું ને ‘સહજ’,
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે.

         – ‘સહજ’ વિવેક કાણે

અન્ય રચનાઓ

 • ‘સહજ’ વિવેક કાણે – એકાંતનું પ્રાબલ્ય
 • (‘Sahaj’ Vivek Kane -Ekant nu Prabaly. Ghazals in Gujarati. Literature and art site)

  Tags :

  ‘સહજ’ વિવેક કાણે – એકાંતનું પ્રાબલ્ય

  ચોપાસ કોઈ છદ્મ પ્રકારે છે નિરંતર
  એકાંતનું પ્રાબલ્ય વધારે છે નિરંતર

  ઊગવાનું, અને રોજ વળી અસ્ત થવાનું
  આ સૂર્ય ખરી વેઠ ઉતારે છે નિરંતર

  હું અંત ને આરંભને જુદા નથી ગણતો
  નવજાત શિશુ, મોતને આરે છે નિરંતર

  ઉડનારની પાંખોનું કપાવું છે નિયત પણ,
  ઊડવાને ‘સહજ’ પાંખ પ્રસારે છે નિરંતર

           – ‘સહજ’ વિવેક કાણે

  (સૌજન્ય : વિવેક)(‘Sahaj’ Vivek Kane -Ekant nu Prabaly. Ghazals in Gujarati. Literature and art site)

  Tags :